પવારનું વિમાન ક્રેશ થવા અંગે બ્લેક બોક્સમાંથી શું મળ્યું? નવા VIDEOથી સવાલો

January 30, 2026

મુંબઈ- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ચાર લોકોના જીવ લેનારી વિમાન દુર્ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તે અત્યંત ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન વિમાનની ડાબી પાંખ અચાનક નીચેની તરફ નમી ગઈ અને વિમાન એકતરફ નમીને આગના ગોળામાં ફેરવાઈ ગયું. નિષ્ણાતોના મતે, આ દૃશ્ય ત્રણ સંભવિત પરિસ્થિતિઓ તરફ ઇશારો કરે છે:


વીડિયોમાં વિમાન જે રીતે અચાનક એક તરફ વળતું દેખાય છે, તે 'અસમપ્રમાણ એરોડાયનેમિક સ્ટોલ'(Asymmetric Aerodynamic Stall)નો સંકેત હોઈ શકે છે. જ્યારે વિમાનની ગતિ ખૂબ ઓછી થઈ જાય અથવા તેનો ખૂણો (એંગલ) ખૂબ વધી જાય, ત્યારે પાંખો હવાને કાપવાનું બંધ કરી દે છે અને 'લિફ્ટ' (ઉપર જવાની શક્તિ) ખતમ થઈ જાય છે. લિયરજેટ 45 જેવા વિમાનોના એન્જિન પૂંછડી પર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે, ઓછી ગતિએ વળાંક લેતી વખતે એક પાંખે લિફ્ટ ગુમાવી દીધી હશે, જેના કારણે વિમાન અનિયંત્રિત થઈને નીચે ખાબક્યું.

બીજી થિયરી એ છે કે, લેન્ડિંગના બરાબર પહેલા એક એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હોય. એવિએશન એક્સપર્ટ માર્ક માર્ટિનના જણાવ્યા અનુસાર, જ્યારે એક એન્જિન ફેઇલ થાય છે ત્યારે બીજા એન્જિનની પૂરેપૂરી શક્તિ વિમાનને એક તરફ ખેંચી શકે છે, જેનાથી તે અસંતુલિત થઈને પલટી શકે છે. જોકે, લેન્ડિંગ ક્લિયરન્સ અને ક્રેશ વચ્ચેની 60 સેકન્ડમાં પાયલોટ તરફથી કોઈ 'મેડે' (Mayday) કોલ રૅકોર્ડ થયો નથી, જે આ થિયરી પર સવાલ ઊભા કરે છે.
ત્રીજી આશંકા એ છે કે, ખરાબ વિઝિબિલિટી અને સૂર્યના પ્રકાશના કારણે પાયલોટને રનવે ખૂબ મોડો દેખાયો હોય. રનવેની સીધમાં વિમાનને લાવવા માટે છેલ્લી ઘડીએ લેવામાં આવેલો તીવ્ર વળાંક જીવલેણ સાબિત થયો હશે.