મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું ભારત, હવે દ.આફ્રિકા સાથે ટકરાશે

October 30, 2025

ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી. 

ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.