પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક

September 12, 2026

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના વેચાણ પર વસૂલવામાં આવતા વિવિધ કર રાજ્ય સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત બની રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ-ડિઝલ પરના વેટ, જીએસટી અને સેસથી રાજ્ય સરકારને કુલ રૂપિયા 21,992 કરોડની જંગી આવક થઈ છે. ગુજરાતમાં પેટ્રોલ પર 13.7 ટકા, જ્યારે ડિઝલ પર 14.9 ટકા વેટ ઉપરાંત ચાર ટકાનો સેસ લેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય સરકારને પેટ્રોલ પરના વેટ પેટે રૂપિયા 4423 કરોડ મળ્યા હતા, જ્યારે પેટ્રોલ પર સીએસટીમાં 1040 કરોડ અને સેસમાંથી 1328 કરોડની આવક થઈ હતી. ડીઝલ રાજ્ય સરકાર માટે આવકની દ્રષ્ટિએ વધુ મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યું છે. ડીઝલ પરના વેટમાંથી સરકારને 8675 કરોડ, સીએસટીમાંથી 2427 કરોડ અને સેસમાંથી 3099 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. સરકારને થયેલી કુલ આવકમાં ડીઝલનો હિસ્સો 69.10 ટકા અને પેટ્રોલનો હિસ્સો 30.90 ટકા જેટલો રહેવા પામ્યો છે. આ આંકડાઓ મુજબ ગુજરાત સરકારને માત્ર પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી પ્રતિદિન સરેરાશ 60.25 કરોડ રૂપિયાની આવક થાય છે.