નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ

October 02, 2024

પાડોશી દેશ એવા નેપાળમાં અત્યારે સાંબેલાધાર વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે. છેલ્લા 48 કલાક વરસેલા વરસાદથી પૂરમાં નેપાળમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સેંકડો માર્ગો બંધ છે. હજાર મકાનો પૂરમાં તણાઈ ગયા છે. ઘણા પરિવારો બેઘર થયા છે. પૂરે મચાવેલા વિનાશથી ચાર હજાર કરતાં વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે, હજી સેંકડો લોકો ગુમ છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ બુધવારે જણાવ્યું હતું કે હિમાલયના દેશમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલન પછી ચાર હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના લીધે અત્યાર સુધીમાં 241 લોકોનાં જીવ લીધા છે અને હિમાલયના દેશમાં વિનાશ સર્જ્યો છે. તેમણે સ્વીકાર્યું કે શોધ અને બચાવ કામગીરીમાં સરકાર તરફથી વિલંબ થયો હતો.

તેમણે કહ્યું કે અધિકારીઓએ પૂરની આફતમાંથી દેશભરમાં 4,331 લોકોને બચાવ્યા છે. વડાપ્રધાને સતત 48 કલાકના વરસાદ બાદ શનિવારે દેશમાં અચાનક સર્જાયેલી આપત્તિ બાદ કરવામાં આવી રહેલી શોધ અને બચાવ કામગીરીમાં રહેલી ખામીઓને દૂર કરવાની વાત કરી હતી.