જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી

December 08, 2025

જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ક્રિકેટ રમી રહેલા ૩૨ વર્ષના એક યુવાનને અચાનક હૃદય રોગ નો હુમલો આવતાં મૃત્યુ થયું હોવાથી ભારે ચકચાર જાગી છે. જામનગરમાં ગીતામંદિર નજીકના વિસ્તારમાં ખુલ્લું મેદાન આવેલું છે, ત્યાં રવિવારની રજાના દિવસે કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, જેમાં રાહુલ રમેશભાઈ ચૌહાણ નામનો 32 વર્ષનો એક યુવક પણ અન્ય મિત્રોની સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. જે દરમિયાન તેને ચાલુ રમતમાં એકાએક છાતીમાં દુ:ખાવો થયો હતો, અને બેભાન થઇને ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવને લઈને અન્ય મિત્રોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.  સમગ્ર પરિવારના એક માત્ર આધાર સ્તંભ એવા રાહુલ ચૌહાણનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોમાં જાણે આભ તૂટી પડ્યું છે, અને ભારે શોકનું મોજું પ્રસરી ગયું હતું.