ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5મી અને અંતિમ T20 મેચ

November 08, 2025

બ્રિસબેનમાં આજે રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીની મેચમાં સિરીઝ જીતવા અને ઓસ્ટ્રેલિયા સાથે બદલો લેવાનો ટીમ ઇન્ડિયા માટે મોકો છે. પાંચ મેચની સિરીઝની આજે અંતિમ મેચ રમાશે અને ઓસ્ટ્રેલિયા માટે આ મેદાન સફળ રહ્યું છે ત્યારે ભારતીય ટીમ 7 વર્ષ પછી આ મેદનામાં T20 શ્રેણીની મેચ રમશે.

આમ તો ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી જે રીતે શરૂ થઈ હતી, તે જોતાં એવું લાગતું ન હતું કે ટીમ ઈન્ડિયા અંતિમ મેચ સુધી શ્રેણી જીતવાની નજીક હશે. વરસાદથી ધોવાઈ ગયેલી પહેલી મેચ પછી, ટીમ ઈન્ડિયાને બીજી T20 માં કારમી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેની સામે સવાલો પણ ઉભા થયા હતા. જોકે, ત્યારબાદ T20 વર્લ્ડ ચેમ્પિયન્સે બે મેચમાં મજબૂત વાપસી કરી અને 2-1થી લીડ મેળવી હતી, અને હવે તેઓ બ્રિસ્બેનમાં અંતિમ T20 માં શ્રેણી જીતવાની નજીક છે. 

આજની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે ઓસ્ટ્રેલિયા સાથે જુનો હિસાબ ચુકતે કરવો પડશે. પાંચ મેચની T20 શ્રેણીનો નિર્ણય 8 નવેમ્બર, શનિવારના રોજ બ્રિસ્બેનમાં થશે. ગાબ્બા સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે ભારત સામે બીજી શ્રેણી હારવાની શરમથી બચવાનો પ્રયાસ કરશે. બીજી મેચમાં શાનદાર જીત છતાં, મિશેલ માર્શની ટીમ શ્રેણીમાં પાછળ રહી ગઈ અને હવે હારની અણી પર છે.