તૂર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગેલી ભયાનક આગમાં 66 લોકોના મોત, 51 ઈજાગ્રસ્ત

January 22, 2025

: તૂર્કિયેની એક સ્કી રિસોર્ટની હોટલમાં આગ ફાટી નીકળતાં 66થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 51 ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. વાઇરલ ફૂટેજમાં હોટલની છત અને ઉપરના માળમાં આગ લાગી હતી. આ ભયાવહ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તૂર્કિયેના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 

યેરલિકાયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્કી રિસોર્ટની હોટલમાં અચાનક આગ લાગતાં 66 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક સમયાનુસાર મંગળવારે વહેલી સવારે 3.27 વાગ્યે કાર્તલકાયાના પહાડની ટોચે સ્થિત રિસોર્ટમાં 12 માળની ગ્રાન્ડ કાર્ટલ હોટલની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જેમાં ઘણા લોકો ગૂંગળામણના કારણે મૃત્યુ પામ્યા હતા. સ્કૂલોમાં રજાઓના કારણે 80થી 90 ટકા રિસોર્ટ પેક હતો. 230થી વધુ ગેસ્ટ એ ચેક ઇન કરેલું હતું. 


હોટલમાં સ્કી ઇન્સ્ટ્રક્ટર નેકમી કેપસેટુટને મીડિયાને જણાવ્યું હતું કે, ઇમારતમાંથી લગભગ 20 લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ધુમાડો વધતાં કંઈ જ દેખાતું ન હોવાથી લોકોને બચાવવા માટે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો હતો.