ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ

September 23, 2026

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અત્યારસુધી 31.78 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની ઘટ છે અને 11 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચ પણ વરસાદ હજુ નોંધાયો નથી. દક્ષિણ ગુજરાત જળબંબાકાર છે જ્યારે ઉત્તર-સૌરાષ્ટ્રમાં ચિંતા છે.

22 સપ્ટેમ્બરની સ્થિતિએ સૌથી વધુ ઘટ દેવભૂમિ દ્વારકામાં 72 ટકા, પોરબંદરમાં 63 ટકા, જામનગરમાં 48 ટકા, દાહોદમાં 40 ટકા, કચ્છ-સાબરકાંઠા-અરવલ્લીમાં 33 ટકા, જુનાગઢમાં 31 ટકા, ગીર સોમનાથમાં 27 ટકા નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકામાં અત્યારસુધી સૌથી ઓછો 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય ઓછા વરસાદવાળા જિલ્લામાં પોરબંદર, કચ્છ, જામનગર અને વાવ થરાદનો સમાવેશ થાય છે.

તાલુકાવાર જોતા દક્ષિણ ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ વરસાદ છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 12 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં જૂન માસમાં માત્ર 1.50 ઈંચ, જુલાઈમાં 20.50 ઈંચ, ઓગસ્ટમાં 3.75 ઈંચ અને સપ્ટેમ્બરના 22 દિવસમાં અંદાજે 5 ઈંચ વરસાદ નોંધાયો છે. એટલે વરસાદના મહિના ગણાતા જૂન અને ઓગસ્ટમાં જે વરસાદ પડ્યો એટલો જ વરસાદ અંતિમ દિવસોમાં પડ્યો છે.

હવામાન વિભાગે આગામી 23-24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસુ વિદાય લેશે તેવી આગાહી કરી છે અને 25થી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂકા હવામાનની આગાહી પણ આજે જારી કરાઈ છે. જામનગર, કચ્છ પંથકમાં તો 23થી વરસાદી વિરામ સાથે સૂકા હવામાનની શક્યતા છે.