કોલકાતાની હોટલમાં મધરાતે ભીષણ આગ, સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત, 6 ગંભીર રીતે દાઝ્યા

August 19, 2026

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભોગ બનનારા તમામ લોકો તબીબી સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા.

ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ મુજબ હોટલમાં આગ મંગળવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ લાગી હતી. રાત્રે 2 વાગ્યે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઘટનાની માહિતી મળતાં જ 4 ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં દાઝી ગયેલા 6 લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જોકે તેમની વર્તમાન સ્થિતિ અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. સ્થળ પરથી મળેલા દૃશ્યો અનુસાર જે હોટલમાં આગ લાગી તે અત્યંત ગીચ બાંધકામ ધરાવતા વિસ્તારમાં આવેલી જૂની ઈમારતમાં કાર્યરત હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ કેવી રીતે લાગી તે જાણવા માટે હોટલ પરિસરનું ટેકનિકલ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. આ કરુણાંતિકા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બનેલી આગની ઘટનાના માત્ર બે જ દિવસ બાદ સામે આવી છે, જેને કારણે રાજ્યમાં બે દિવસમાં આ બીજો મોટો અગ્નિકાંડ નોંધાયો છે.