ન્યૂયોર્કના યહૂદી ધાર્મિક સ્થળની બહાર 28 વર્ષના યુવકે ફાયરિંગ કર્યુ, પેલેસ્ટાઈનની આઝાદીના નારા લગાવ્યા

December 08, 2023

ન્યૂયોર્ક- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગુરુવારે ન્યૂયોર્કના એક યહૂદી ધાર્મિક સ્થળની બહાર બે વખત ફાયરિંગ થયુ હતુ. ફાયરિંગ કરનારા વ્યક્તિએ પેલેસ્ટાઈનની આઝાદીના નારા લગાવ્યા હતા. જેની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનુ સામે આવ્યુ નથી.
અધિકારીઓના કહેવા અનુસાર બપોરના બે વાગ્યાની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ માટે જવાબદાર 28 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની અટકાયત કરી તે પહેલા તેણે પેલેસ્ટાઈનની આઝાદીના નારા લગાવ્યા હતા. પોલીસે તેની ઓળખ જાહેર નથી કરી પણ તે સ્થાનિક નાગરિક હોવાનુ ગર્વનર કેથી હોચલે કહ્યુ છે.
આરોપી ફાયરિંગ કર્યા બાદ ત્યાં જ ઉભો રહ્યો હતો અને પોલીસના આવતાની સાથે જ તેણે બંદુક ફેંકી દઈને શરણાગતિ સ્વીકારી લીધી હતી. પોલીસ દ્વારા આ ઘટના હેટ ક્રાઈમ હોવાની આશંકા વ્યક્ત રકવામાં આવી રહી છે.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં લોક ડાઉન લગાવી દેવાયુ હતુ. ફાયરિંગ થયુ ત્યારે ધાર્મિક સ્થળની અંદર કેટલાક બાળકો મોજૂદ હતા. તેમને પોતાના માતા પિતા પાસે મોકલી દેવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર ન્યૂયોર્કમાં પોલીસને એલર્ટ પર રહેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.