અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથાભારે શખ્સે કર્યો હુમલો, 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

March 15, 2025

અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ પાંચ લોકો પર સળિયા વડે હુમલો કરી તમામને ઇજા પહોંચાડી હતી. માહિતી મળતાં પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ઓળખ હરિયાણાના રહેવાસી ઝુલ્ફાન તરીકે થઈ છે. પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બીજા આરોપીએ કથિત રીતે ભક્તો પર હુમલો કરનાર વ્યક્તિ સાથે રેકી કરી હતી.

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાં બે મંદિરના સેવકો અને ત્રણ ભક્તો છે. ઘાયલોમાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેની અમૃતસરની શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસે શ્રદ્ધાળુઓ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હતી. તેનો સાથી પણ ઝડપાઈ ગયો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સભ્યોએ એક યુવકને મંદિર પરિસરમાં શંકાસ્પદ રીતે ભટકતો જોયો હતો. જ્યારે તેઓએ તેની પૂછપરછ કરી તો તે તેમની સાથે મારપીટ કરવા લાગ્યો. મંદિર પરિસરમાંથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી તે હાથમાં લોખંડનો સળિયો લઈને પાછો ફર્યો અને સમિતિના સભ્યો પર હુમલો કર્યો હતો. જેથી ત્યાં હાજર ભક્તો બચાવમાં આવ્યા હતા. હુમલાખોરે તેમના પર પણ સળિયા વડે હુમલો કર્યો હતો.