ચીનમાં પર્વતનો એક ભાગ તૂટ્યો, 14ના મોત, ગુમ થયેલાઓને શોધવા ટીમ કામે લાગી

June 04, 2023

સિચુઆનમાં એકાએક પર્વતનો ભાગ તુટી પડતા નાસભાગ મચી, હજુ 5 લોકો લાપતા


બેઈજીંગ- ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલ સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 14 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટના અંગે ત્યાંની સ્થાનિક સરકારે કહ્યું કે, લેશાન શહેરની નજીક જિન્કૌહેમાં ફોરેસ્ટ્રી સ્ટેશન પર શનિવારે સવારે 6 વાગ્યે પર્વતનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો.


નિવેદન અનુસાર શનિવારે બપોરે 3 વાગ્યા સુધી 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 5 લોકો ગુમ છે. દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે 180 લોકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એક ડઝનથી વધુ બચાવ ઉપકરણો પણ ઘટના સ્થળે મોકલાયા છે. જે વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે, તે વિસ્તાર પહેલેથી જ ખૂબ અસુરક્ષિત માનવામાં આવે છે.


જ્યાં અકસ્માત થયો તે સ્થળ પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં પર્વતીય વિસ્તાર આવેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વરસાદના મહિનામાં ઘટનાઓ વધી જાય છે. 2019માં મુશળધાર વરસાદ બાદ પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહી છે.