ચમોલીમાં હિમસ્ખલનમાં કુલ 8ના મોત, 7 હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ ઓપરેશન

March 02, 2025

ચમોલી : ઉત્તરાખંડના ચમોલીના બદરીનાથ પાસે માના ગામ નજીક શુક્રવારે હિમસ્ખલન થવાના કારણે રસ્તાના બાંધકામમાં રોકાયેલા 55 મજૂરો તેમાં ફસાયા હતા, જેમાંથી બરફ નીચે દટાયેલા 46 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ચાર લોકો લાપતા થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ પહેલાથી જ ઘરે પહોંચી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો છે. દરમિયાન આજે (2 માર્ચે) પણ હેલિકોપ્ટર દ્વારા લાપતા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું, જેમાં ચારેય લાપતા વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોત થયા છે.
હિમસ્ખલનની ઘટના બન્યા બાદ કુલ 50 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ચાર વ્યક્તિઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો, જ્યારે આજે અન્ય ચાર લોકોના મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે.
ભારતીય વાયુસેનાના Mi-17 અને ચિતા હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે તહેનાત કરાયા હતા. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, એક હેલિકોપ્ટર રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન માટે તૈયાર હતું. જ્યારે જોશીમઠમાં ડીએમ ચમોલી સંદીપ તિવારીએ જણાવ્યું કે, આજે સવારે સાત વાગ્યે બચાવ કાર્ય શરૂ થઈ ગયું હતું. આજે હવામાન ચોખ્ખું હતું. આર્મી અને એરફોર્સના સાત હેલિકોપ્ટર બચાવ કાર્યમાં લાગેલા છે.