કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP આજે પીએમ હાઉસ ઘેરશે, પોલિસે જાહેર કરી એડવાઈઝરી

March 26, 2024

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ નોંધાવવા આમ આદમી પાર્ટી (AAP) આજે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. આવી સ્થિતિમાં, દિલ્હી ટ્રાફિક પોલીસે એક ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે,

જેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કોઈપણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઘેરાવો કરવાના એલાનને પગલે પોલીસે 7, લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે 7, લોક કલ્યાણ માર્ગ એ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી છે.