સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા

October 19, 2025

સાબરકાંઠા- પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં શુક્રવારે (18 ઓક્ટોબર) રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતાં હિંસા ફાટી નીકળી હતી. નજીવી બાબતે શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, હવે આ મામલે હવે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રાંતિજ પીઆઈને બેદરકારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
આ સમગ્ર ઘટનામાં મોટી જૂથ અથડામણ દરમિયાન ફરજ પરના પ્રાંતિજ પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) રશ્મિન દેસાઈની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિણામે, જિલ્લા એસપી દ્વારા પીઆઈ રશ્મિન દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.