કેજરીવાલની ધરપકડ બાદ AAPની બેઠક, ચૂંટણી માટે ખાસ યોજના, મહારેલી પણ યોજશે

March 24, 2024

દિલ્હી-કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવા ઉપરાંત કાર્યકર્તાઓનો જોશ વધારવા મંત્ર પણ અપાયો હતો.


AAPના સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે જણાવ્યું કે, ‘અમે આજે યોજેલી બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈ ખાસ રણનીતિ તૈયાર કરી છે. ચૂંટણી પ્રચાર જરૂર થશે, પરંતુ હવે પ્રચાર કરવાની જરૂર નથી, કારણ કે કેજરીવાલ બહાર જેટલા મજબૂત હતા, તેનાથી વધુ તેઓ જેલની અંદર મજબૂત છે. ભાજપે પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે. ધરપકડ બાદ હવે વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે. આજે દિલ્હીના રસ્તાઓ પર તમામ લોકો કેજરીવાલ-કેજરીવાલ કરી રહ્યા છે. આજે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને વોટ આપવાના બદલે કેજરીવાલને વોટ આપવાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ જેલની અંદર બેઠા છે અને બહાર વડાપ્રધાન અમારો પ્રચાર કરી રહ્યા છે, તેથી અમારે કોઈ ટેન્શન નથી.’


તેમણે કહ્યું કે, અગાઉ કેજરીવાલના નિર્દેશ મુજબ પાર્ટી કામ કરતી હતી અને હજુ પણ તેઓ જેલની અંદરથી જે નિર્દેશ આપશે, તે રીતે જ પાર્ટી ચાલશે. કેજરીવાલ પહેલા વ્યસ્ત રહેતા હતા, જોકે હવે જેલની અંદર હોવાથી તેઓ એક્સક્લૂસિવલી વધુ વિચારશે, જે વિરોધીઓને મોંઘુ પડશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખાસ કરીને યુવાઓને એવું જણાવ્યું કે, નાની-મોટી સમસ્યાઓને દુર રાખી એક થવાનો સમય આવી ગયો છે. હવે 10 ઘણી મહેનત કરી પ્રચાર કરવાનો છે. અમે 31 માર્ચે મહારેલીનો મેઘા પ્લાન બનાવ્યો છે. મહારેલી બાદ આમ આદમી પાર્ટી ઘરે ઘરે જશે અને પરિવારને કેજરીવાલના પ્રચાર સાથે જોડશે.