લોકસભાની ચૂંટણી બાદ રાજ્યસભામાં પણ ઘટી ભાજપની તાકાત

July 15, 2024

દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર યોજાનારી ચૂંટણીઓની ચર્ચાઓ સાથે રાજકારણ શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપના વધુ ચાર સભ્યો રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ચાર સભ્યો શનિવારે નિવૃત્ત થયા બાદ ભાજપના રાજ્યસભામાં સભ્યોની સંખ્યા ઘટીને 86 થઈ ગઈ છે. જ્યારે ભાજપના સાથી પક્ષોના કુલ 25 સભ્યો છે. આમ વર્તમાનમાં રાજ્યસભામાં એનડીએના કુલ 111 સભ્યો છે. જોકે આગામી દિવસોમાં ભાજપના સભ્યોની સંખ્યામાં વધારો થવાની પાર્ટીને આશા છે.


રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકોની વાત કરીએ તો વર્તમાનમાં કુલ 19 બેઠકો ખાલી છે, જ્યારે રાજ્યસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 226 છે. 19 બેઠકોમાંથી ચાર બેઠકો જમ્મુ-કાશ્મીરની છે, જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાયા બાદ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ચાર બેઠકો નામાંકીત સભ્યોની ખાલી છે, તેથી રાજ્યસભાની 11 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ 11 બેઠકો જે રાજ્યોની છે, તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, હરિયાણા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને આસામ જેવા રાજ્યોનો સામાવેશ થાય છે. વર્તમાન સમીકરણો મુજબ NDA 11 બેઠકોમાંથી આઠ બેઠક પર સરળતાથી જીતી શકે છે. લોકસભા ચૂંટણીમાં પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત ઘણા સભ્યોની જીત થઈ હોવાથી તેઓએ રાજ્યસભાના ઉપલા ગૃહમાંથી રાજીનામું આપી દીધું છે, તેથી આ 11 બેઠકોમાંથી 10 બેઠકો ગત મહિને જ ખાલી પડી છે. આ ઉપરાંત BRSના રાજ્યસભા સાંસદ રહેલા કે.કેશવ રાવે રાજીનામું આપ્યા બાદ એક બેઠક ખાલી થઈ છે. તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આમ આગામી મહિનાઓમાં એનડીએને આઠ બેઠકો મળવાની સંભાવના દેખાઈ રહી છે.