વન-ડે અને ટેસ્ટમાંથી ક્યારે નિવૃત્ત થશે...? હિટમેને જાતે કર્યો ખુલાસો, કહ્યું - 'મને થોડાક સમય માટે...'

July 15, 2024

ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હિટમેનની વધતી ઉંમરને જોઈને અટકળો લગાવાઈ રહી છે કે તે 2027 વર્લ્ડ કપ સુધી અન્ય બે ફોર્મેટથી પણ સંન્યાસ લઈ લેશે. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આટલું દૂરનું વિચારતો નથી પરંતુ ચાહકો તેને વધુ સમય માટે રમતાં જરૂર જોશે. બીસીસીઆઈ સચિવ જય શાહ પહેલા જ એલાન કરી ચૂક્યાં છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (જો ભારત પહોંચે તો) માં રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. ટી20થી નિવૃત્તિ બાદ રોહિતના વનડે અને ટેસ્ટના ફ્યૂચર વિશે દરેક જગ્યાએ વાતો થઈ રહી છે. દરમિયાન રવિવાર 14 જુલાઈએ ડલાસમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતને એક વાર ફરી ક્રિકેટથી સંન્યાસ વિશે પૂછવામાં આવ્યું. તેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું કે તે ખૂબ આગળનું વિચારતો નથી, પરંતુ હજુ પણ તેને ઘણું રમવાનું બાકી છે. રોહિત શર્માએ ઈવેન્ટમાં કહ્યું, મે હમણાં કહ્યું, હું આટલા દૂરનું વિચારતો નથી. તેથી સ્પષ્ટ રીતે તમે મને થોડા સમય સુધી રમતાં જોશો. રોહિતની પ્રતિક્રિયાથી ડલાસમાં હાજર દર્શકોએ જોરદાર તાળીઓ પાડીને ભારતીય કેપ્ટનના નિવેદનનું સ્વાગત કર્યું. રોહિત અમેરિકામાં ક્રિકિંગડમ એકેડેમીનું ઉદ્ઘાટન કરીને આવ્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ જય શાહે કહ્યું હતું કે આ જીત બાદ આગામી પડાવ છે ડબ્લ્યૂટીસી ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી, મને પૂર્ણ વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં અમે આ બંને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું.