દ્રવિડે ફરી દીલ જીતી લીધું, એવી ઉદારતા બતાવી કે તમે પણ સલામ કરશો

July 10, 2024

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ હવે પૂરો થઈ ગયો છે. ત્યારબાદ હવે ગૌતમ ગંભીરે નવા હેડ કોચનું પદ સંભાળ્યું છે. રાહુલે વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓ સાથે ખૂબ મહેનત કરી અને ટીમને મજબૂત બનાવી. ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડને BCCI ખાસ ઈનામ આપવા માગતી હતી પરંતુ દ્રવિડે પોતાના બાકીના સાથી ખેલાડીઓ માટે BCCI ની આ ઓફર ઠુકરાવી દીધી છે.T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પરત ફરી ત્યારે BCCIએ વાનખેડે સ્ટેડિયમમાં તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન BCCIએ આખી ટીમ અને કોચિંગ સ્ટાફને 125 કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. આ 125 કરોડ રૂપિયામાંથી કોચ રાહુલ દ્રવિડને ટીમના ખેલાડીઓ સાથે 5 કરોડ રૂપિયા મળવાના હતા, જ્યારે બાકીના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડને 2.5-2.5 કરોડ રૂપિયા મળવાના હતા.
રાહુલે BCCIની 5 કરોડ વાળી ઓફર ઠુકરાવી દીધી. આ અંગે BCCIના એક સૂત્રએ જણાવ્યું કે રાહુલ દ્રવિડ પણ એટલી જ રકમ લેવા માગતો હતો જેટલી અન્ય કોચને જોઈતી હતી. BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે. આમ, દ્રવિડે પોતાની ઉદારતાથી ફરી એક વખત લોકોનું દીલ જીતી લીધું છે. રાહુલ દ્રવિડની કોચિંગ અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી. આ પહેલા રાહુલની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપ 2023માં કમાલનું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.