ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ સામેલ, ઈન્ડિયાએ ટ્રૂડો સરકારને મોકલી વિગતો

October 19, 2024

ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વણસી રહેલા સબંધો વચ્ચે હવે દિલ્હીએ ભાગોડુ આતંકવાદીઓની યાદીમાં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (Canadian Border Service Agency)ના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. આ યાદીમાં સામેલ આતંકવાદીઓને ભારત કેનેડામાંથી દેશનિકાલ કરવા માગે છે. ભારતે આ યાદી ટ્રુડો સરકારને સોંપી છે.

અહેવાલ પ્રમાણે પ્રતિબંધિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના સભ્ય અને સીબીએસએમાં સેવા આપતા સંદીપ સિંહ સિદ્ધુને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં તેમની કથિત સંડોવણી માટે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

સિદ્ધુ કથિત રીતે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યાને અંજામ આપવા માટે પાકિસ્તાનના ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેની સાથે-સાથે ISIના અન્ય  મેમ્બરો સાથે પણ સંપર્કમાં હતો. સંધુ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની માટે જાણીતો હતો. તે અલગતાવાદી આંદોલનમાં પ્રતિરોધનો પ્રતિક બની ગયો હતો.

સંધુને તેમની બહાદુરી માટે શૌર્ય ચક્રથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન જનમત સંગ્રહનો વિરોધ કરવા માટે પણ જાણીતા હતા. એક અહેવાલ પ્રમાણે સંદીપ સિંહ સિદ્ધુને કથિત રીતે CBSAમાં સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોટ કરવામાં આવ્યો હતો. 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ દાવો કર્યો છે કે, આતંકવાદી લખબીર સિંહ રોડે અને સની ટોરન્ટોએ અન્ય ખાલિસ્તાનીઓ સાથે મળીને સંધુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે, શું સંદીપ સિંહ સિદ્ધુ જ સની ટોરન્ટો છે. 

ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હાલમાં જ કેનેડાએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ઓટાવામાં ભારતીય ઉચ્ચાયુક્તને સંદિગ્ધ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારતે આ આરોપો ફગાવતા પોતાના 6 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા.