ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં ઈઝરાયલ? લીક રિપોર્ટ્સથી અમેરિકા પણ ટેન્શનમાં મૂકાયું

October 20, 2024

ઈઝરાયલ : ઈઝરાયલ ઈરાન પર હુમલાની યોજના બનાવી રહ્યું હોવાનો સંકેત અમેરિકાના લીક થયેલા ગુપ્ત રિપોર્ટ પરથી મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીની બે ગુપ્ત રિપોર્ટ લીક થઈ છે. જે ઈઝરાયલી સેના દ્વારા ઈરાન પર હુમલો કરવાની યોજના વિશે જણાવી રહી છે. ડોક્યુમેન્ટ્સ નેશનલ જિયોસ્પેટિક-ઈન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટમાં સેટેલાઈટ તસવીરો અને સૂચનાઓના વિશ્લેષણમાં સૈન્ય ગતિવિધિઓ અને હુમલાની તૈયારીઓ વિશે માહિતી મળી છે.


લીક થયેલા 'ઇઝરાયલઃ એરફોર્સ ઈરાન પર હુમલો કરવાની તૈયારીઓ' શીર્ષક હેઠળ તૈયાર કરાયેલા રિપોર્ટમાં ઈઝરાયલની તાજેતરની કવાયત અંગે માહિતી આપવામાં આવી છે. અંદાજ છે કે, સૈન્ય અભ્યાસ ઈરાન સામે મજબૂત હુમલાની તૈયારીઓનો એક ભાગ છે. આ તૈયારીઓમાં ફાઈટર એરક્રાફ્ટનું એર-ટુ-એર રિફ્યુઅલિંગ, શોધ અને બચાવ કામગીરી અને ઈરાન તરફથી હુમલાની સ્થિતિમાં નવી જગ્યાઓ પર મિસાઈલ સિસ્ટમ સ્થાપિત કરવી વગેરે સમાવિષ્ટ છે. બીજો રિપોર્ટ દર્શાવે છે કે ઈઝરાયલ યુદ્ધસામગ્રી અને અન્ય સૈન્ય સંપત્તિઓને વ્યૂહાત્મક સ્થળોએ સ્થાનાંતરિત કરી રહ્યું છે. આ તસવીરો પરથી મળેલી અમેરિકન ઈન્ટેલિજન્સ માહિતી દર્શાવે છે કે ઈઝરાયલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. જો કે ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયલની સંપૂર્ણ યોજના શું છે તે સ્પષ્ટ થયું નથી. ઈરાન સમર્થક તત્વોના એકાઉન્ટ પરથી 15 અને 16 ઓક્ટોબરની તારીખના રિપોર્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઈઝરાયલની સેનાની સેટેલાઈટ તસવીરો છે. ઈઝરાયલ સેના ઈરાન પર હુમલો કરવાની તૈયારીઓ કરતી જોવા મળી છે. 1 ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી. ઈઝારયલ ઈરાન હુમલાઓનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલ ગાઝા પટ્ટી અને લેબેનોનમાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં ઈઝરાયલી સેનાએ હમાસના ઘણા ટોચના નેતાઓને મારી નાખ્યા છે. ઈરાન લેબનોન અને હમાસને સતત સમર્થન આપી રહ્યું છે.