કડવાચોથ પર મહિલા કોન્સ્ટેબલ સાથે જ હેવાનિયત, અયોધ્યાથી સાસરિયે જતી વખતે બની ઘટના

October 21, 2024

કાનપુર  : કડવાચોથના  પર સાસરીયે જઈ રહેલી મહિલા કોન્સ્ટેબલ જ હેવાનિયતનો શિકાર બની ગઈ હતી. ઉત્તર પ્રદેશ મહિલા પોલીસમાં હેડ કોન્સ્ટેબલને નિર્જન વિસ્તારમાં એકલા જોઈને  હેવાને તેમની સાથે દુષ્કર્મ આચર્યું. હેવાનિયતની આ ઘટનાને કાનપુરના સેન પશ્ચિમ પારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો. અયોધ્યામાં તહેનાત મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ કડવાચોથનો તહેવાર મનાવવા માટે પોતાના સાસરીયે જઈ રહી હતી. હેવાનિયતની આ ઘટનાને અંજામ આપનાર આરોપી એ જ ગામનો રહેવાસી હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

શનિવારે મહિલા હેડ કોન્સ્ટેબલ અયોધ્યાથી કાનપુરમાં પોતાના ગામ જઈ રહી હતી, તે સાદા યુનિફોર્મમાં હતી. તે પોતાના સાસરે પહોંચે તે પહેલા એક નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે એક યુવક તેને બળજબરીથી ખેતરમાં ખેંચી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. કોન્સ્ટેબલે તેનો વિરોધ કર્યો અને આ દરમિયાન તેની આરોપી સાથે હાથાપાઈ પણ થઈ ગઈ હતી. જો કે, મહિલા કોન્સ્ટેબલ પોતાને આરોપીની ચંગુલમાંથી ન બચાવી શકી અને હેવાન તેની સાથે દુષ્કર્મ આચરવામાં સફળ રહ્યો.

એસીપી ઘાટમપુર રણજીત કુમારે આ મામલે  જણાવ્યું કે, 'અંધારું હોવાના કારણે આરોપી હેડ કોન્સ્ટેબલને ખેતરમાં ખેંચી લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. અને તેના કપડાં ફાડી નાખ્યા. આરોપી બાજુના ગામનો જ હતો તેનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે કલ્લુ છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.'

પીડિત હેડ કોન્સ્ટેબલે પોલીસને જણાવ્યું કે, 'જ્યારે આરોપીએ મને ખેતરમાં ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ખૂબ મારપીટ થઈ.' આ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલે આરોપીની એક આંગળી પણ ચાવી નાખી હતી, જેના કારણે મહિલા કોન્સ્ટેબલનો એક દાંત પણ તૂટી ગયો હતો. તે છતાં પણ આરોપીએ મહિલાના કપડા ફાડીને દુષ્કર્મ આચર્યું હતું.

સેન પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, 'મહિલા હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે વિસ્તારમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મહિલા કોન્સ્ટેબલે આપેલી ઓળખ, ચહેરા પરના નિશાન અને કપાયેલી આંગળીના કારણે આરોપીને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.'