ભંગારમાં વેચી દેવાશે રશિયાનું ઍરક્રાફ્ટ કેરિયર, બ્રિટને કહ્યું આ તો 'શિપ ઓફ શેમ' છે

July 26, 2025

રશિયાનું સૌથી જૂનું ઍરક્રાફ્ટ કેરિયર, 'એડમિરલ કુઝનેત્સોવ' ટૂંક સમયમાં ભંગારમાં વેચી દેવાશે. બ્રિટને આ જહાજને 'શિપ ઓફ શેમ' નામ આપ્યું છે. 'શિપ ઓફ શેમ' એટલે શરમજનક જહાજ. આ જહાજ લગભગ ચાર દાયકા જૂનું છે.  'એડમિરલ કુઝનેત્સોવ' વર્ષ 1985માં રશિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેમજ તેને રશિયન નેવીનું સૌથી જૂનું પ્રતિક પણ માનવામાં આવે છે. લાંબા સમયથી આ જહાજ મુરમાન્સ્ક વિસ્તારમાં લંગરવામાં આવ્યું છે. ઍરક્રાફ્ટ કેરિયર વેચી દેવા બાબતે રશિયાની જહાજ નિર્માણ કરતી સરકારી કંપનીના ચેરમેન આન્દ્રે કોસ્ટિને જણાવ્યું હતું કે, 'હજુ સુધી ઍરક્રાફ્ટ કેરિયર વેચવા બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે આ જહાજનું કોઈ ભવિષ્ય પણ નથી, આથી એક દિવસ તો તેને ભંગારમાં તરીકે વેચવું જ પડશે. આથી હવે તેને વધુ રિપેર કરવાનો કોઈ વિચાર નથી. આ 40 વર્ષ જૂનું છે. આથી કાં તો તેને ભંગાર તરીકે વેચી શકાય છે, કાં તો તેને ડિસ્પોઝ કરીને તેના ભાગમાંથી કંઇક બનાવી શકાય છે.'  રશિયન મીડિયા અનુસાર, 'એડમિરલ કુઝનેત્સોવ' પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું જે હવે રોકી દેવામાં આવ્યું છે. જો આ જહાજના નિર્માણની વાત કરીએ તો જયારે સોવિયત સંઘ પશ્ચિમ ભાગો પર પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું હતું, ત્યારે આ જહાજ બનાવવામાં આવ્યું હતું. પરંતુ સોવિયત સંઘના વિઘટન પછી આ જહાજ રશિયન નેવીનો ભાગ બન્યું, આથી તે રશિયા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.  જોકે રશિયન નેવીના નિષ્ણાતો અને નૌસૈનિકો આ યુદ્ધ જહાજ વિશે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક લોકો કહે છે કે આ જહાજ ખૂબ જૂનું થઈ ગયું છે અને આધુનિક રીતે કામ કરી શકતું નથી, આથી તેને ભંગાર તરીકે વેચી દેવું જોઈએ. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેને રશિયન નેવીના પ્રતીક તરીકે સાચવી રાખવું જોઈએ.