Hulk Hogan Death : WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું નિધન, 71 વર્ષની ઉંમરે આવ્યો કાર્ડિયાક અરેસ્ટ

July 25, 2025

WWEના હોલ ઓફ ફેમસ અને પ્રોફેશનલ રેસલિંગના સુપર સ્ટાર હલ્ક હોગનનું 71 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે (24 જુલાઈ)એ ફ્લોરિડાના ક્લિયરવૉટર સ્થિત હલ્ક હેગનના ઘર પર ડૉક્ટરોને બોલાવાયા હતા. તેમના ઘરની બહાર પોલીસના અનેક વાહનો અને ઈમરજન્સી તબીબી કર્મચારીઓ હાજર હતા. તેમને સ્ટ્રેચર પર એમ્બ્યુલસમાં લઈ જવાયાહ તા, જોકે તેમને બચાવી શકાયા નથી.

હલ્ક હેગનનું અસલી નામ ટેરી જીન બોલિયા હતું. તેમનો જન્મ 11 ઓગસ્ટ-1953 ના રોજ થયો હતો. તેઓ 1980ના દાયકામાં પ્રોફેશનલ રેસલિંગના સૌથી જાણીતા અને લોકપ્રિય ચહેરાઓમાંના એક બન્યા હતા. તેમણે 1980ના દાયકામાં પ્રોફેશનલ રેસલિંગને વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો પીળો અને લાલ રંગનો પોશાક ખૂબ પ્રખ્યાત થયો હતો.

હલ્ક હેગન પાંચ વખત WWF (હવે WWE) ચેમ્પિયન બન્યા હતા. તેઓ 1,474 દિવસ સુધી WWE સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે 1990 અને 1991માં બે રોયલ રમ્બલ જીતનારા પ્રથમ કુસ્તીબાજ હતા. તેમને WWE હોલ ઓફ ફેમમાં એકવાર વ્યક્તિગત રીતે અને એકવાર ટીમના ભાગ રૂપે બે વાર સામેલ કરવામાં આવ્યા હતા. રેસલમેનિયા-3માં આન્દ્રે ધ જાયન્ટ સામેની તેમની મેચને ઈતિહાસની સૌથી પ્રખ્યાત મેચોમાંની એક ગણવામાં આવે છે.

હેગને માત્ર રેસલિંગ જ નહીં, અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘નો હોલ્ડ્સ બેર્ડ’, ‘મિસ્ટર નેની’ જેવી ફિલ્મોમાં મોટો રોલ નિભાવ્યો કર્યો હતો. તેમનો પોતાનો રિયાલિટી શો ‘હોગન નોઝ બેસ્ટ’ પણ ખૂબ લોકપ્રિય થયો હતો. હલ્ક હોગનના જવાથી રેસલિંગ જગતમાં એક યુગનો અંત આવ્યો છે.