ઈઝરાયલને ઈતિહાસનો સૌથી મોટો ઝટકો, ફ્રાન્સ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપશે

July 25, 2025

ઈઝરાયલ : ફ્રાન્સે ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે (24મી જુલાઈ) જાહેરાત કરી છે કે, 'ફ્રાન્સ પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે.' નોંધનીય છે કે, ફ્રાન્સના પ્રમુખનો આ નિર્ણયને ઈઝરાયલ પ્રત્યેના તેમના વલણમાં મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લોટફોર્મ 'X' પર ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને લખ્યું 'મિડલ ઈસ્ટમાં ન્યાયી અને કાયમી શાંતિ પ્રત્યેની અમારી ઐતિહાસિક પ્રતિબદ્ધતાને અનુરૂપ, મેં નક્કી કર્યું છે કે ફ્રાન્સ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપશે. હું આ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ આ અંગે જાહેરાત કરીશ. ગાઝામાં યુદ્ધ બંધ કરવું અને નાગરિકોના જીવ બચાવવા એ આજે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.'


સાતમી ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે ગાઝામાં હમાસને ખતમ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી, જે હજુ પણ ચાલુ છે. હમાસ સંચાલિત આરોગ્ય વિભાગ અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં ગાઝામાં 50 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. શરૂઆતમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયલને ટેકો આપતા હતા અને ઘણીવાર યહૂદી વિરોધીવાદ સામે બોલતા હતા. જો કે, તાજેતરના મહિનાઓમાં ગાઝામાં ઈઝરાયલના યુદ્ધ અંગે તેમનું વલણ બદલાયું છે.


અહેવાલો અનુસાર, વિશ્વભરના ઓછામાં ઓછા 146 દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપે છે. ભારતે વર્ષ 1988માં પેલેસ્ટાઈનને માન્યતા આપનારા પહેલો દેશ હતો. G-7 દેશ  કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કોઈ પણ પેલેસ્ટાઇનને માન્યતા આપતું નથી. જોકે, ફ્રાન્સે હવે આમ કરવાની જાહેરાત કરી છે.