પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ

July 25, 2025

પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં ગુરુવારે (24 જુલાઈ) વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. બાંકુરા પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ જણાવ્યું કે, વાવાઝોડા દરમિયાન વિવિધ ભાગોમાં વીજળી પડવાથી કેટલાક લોકો મોત થયા છે. ઓંડામાં ચાર લોકો જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રાસૈર અને ઈન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ કહ્યું કે, પૂર્વ વર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકો મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. માધબડીહીમાં બે લોકોના મોત, જ્યારે જિલ્લાના ઔસગ્રામ, મંગલકોટ અને રૈના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. બાંકુરામાં 9, પૂર્વ બર્દવાનમાં 4, પશ્ચિમ મિદનાપુરમાં 2, દક્ષિણ દિનાજપુરમાં 1 અને પુરુલિયામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. બાંકુરાના ઓંડામાં ડાંગરના ખેતરમાં કામ કરતી વખતે પરિવારના ત્રણના મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી. જિલ્લામાં મૃત્યુ પામેલા અન્ય લોકોમાં કોતુલપુરના ઝિયાઉલ હક મોલ્લા (50), પત્રસાયરના 20 વર્ષીય જીવન ઘોષ (20), ઇન્દાસના ઈસ્માઇલ મંડલ (60) અને જોયપુરના ઉત્તમ ભૂનિયા (38)નો સમાવેશ થાય છે.