એર ઈન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

July 25, 2025

જયપુર : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ છે. રિપોર્ટ મુજબ જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટ નંબર-AI-612 જયપુર એરપોર્ટ પરથી 2.01 વાગે ટેકઓફ થયું હતું, જોકે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટેકઓફની 18 મિનિટમાં જ જયપુર એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
પાયલટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરી લીધું છે, જેના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનના લેન્ડિંગ બાદ તુરંત એરપોર્ટનો સ્ટાફ દોડી આવ્યો હતો અને વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. એર ઈન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટીની ટીમે ટેકનિકલ કારણો તપાસ શરૂ કરી દીધી છે. 
ફ્લાઈટ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવતા તમામ પ્રવાસીઓ ચિંતિત થઈ ગયા હતા. જોકે પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ કરતા તમામ મુસાફરોએ હાશકારો લીધો છે. પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બીજીતરફ એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.