UNમાં યુક્રેન મુદ્દે અમેરિકા-ચીન ઝઘડતા રહ્યા ને બીજી બાજુ રશિયાએ જુઓ શું કર્યુ

July 26, 2025

રશિયા અને યુક્રેનનું યુદ્ધ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ, હવે આ યુદ્ધ ફક્ત જમીન પૂરતું સીમિત નથી રહ્યું. આ યુદ્ધ હવે વૈશ્વિક તરીકે પહોંચી ગયું છે. હકીકતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે કંઇક એવું થયું, જેની છેલ્લાં ઘણાં સમયથી આશંકા સેવાઇ રહી હતી. અમેરિકાએ ચીનને સીધી રીતે રશિયાની મદદ કરવા માટે જવાબદાર ગણાવ્યું અને જવાબમાં ચીને પણ વળતો પ્રહાર કર્યો હતો. બંને દેશો વચ્ચે થયેલા વાકયુદ્ધે સાબિત કરી દીધું કે, યુક્રેનનું યુદ્ધ હવે બે દેશો વચ્ચે નથી રહ્યું પરંતુ, વૈશ્વિક સ્તરે પહોંચી ગયું છે.  અમેરિકાના કાર્યકારી રાજદૂત ડોરોથી શિયાએ ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું કે, 'ચીન ભલે દાવો કરી રહ્યું હોય કે, તેણે રશિયાને બેવડા ઉપયોગવાળી ટેક્નોલોજી નથી આપી, પરંતુ યુક્રેનની જમીન પર ચીનમાં બનેલા ડ્રોન, વાહન અને હથિયારોના કાળમાળ રોજ મળી રહ્યા છે. જો ચીન ખરેખર શાંતિ ઈચ્છે છે, તો તેણે રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં ઘી નાંખવાનું બંધ કરી દેવું જોઇએ.'  બેવડા ઉપયોગ ધરાવતી ટેક્નોલોજી એટલે એવી વસ્તુ અથવા સામાન જેનો ઉપયોગ નાગરિક પણ કરી શકે અને સેના પણ. આ જ સામાનોને લઈને અમેરિકાએ આરોપ લગાવ્યો કે, ચીન છાનામાના ચાલાકીથી રશિયન સેનાને શક્તિ પૂરી પાડે છે.  એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની કંપની 'ઇન્ડસ્ટ્રિયલ રેફ્રિજરેશન યુનિટ્સ' એટલે કે, ફ્રીજના નામથી રશિયાને સરકારી ડ્રોન ફર્મના એન્જિન મોકલી રહી છે. તેનો હેતુ પ્રતિબંધોથી બચવાનો છે.  જોકે, ચીને આ આરોપોને પાયાવિહોણા અને રાજકીય સ્ટંટ જણાવી દીધું. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના ઉપરાજદૂત ગેંગ શુઆંગે કહ્યું કે, 'અમે કોઈ જીવલેણ હથિયાર નથી મોકલ્યા. ડ્રોન અને બેવડા ઉરયોગવાળા સામાન પર અમારૂ નિરીક્ષણ વિશ્વમાં સૌથી કડક છે. અમેરિકાએ શાંતિના માર્ગ પર અવરોધો ઊભા ન કરવા જોઈએ.' યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે કહ્યું હતું કે, ડોનેટ્સ્ક વિસ્તારના વ્યૂહનૈતિક શહેર પોક્રોવ્સ્કની આસપાસ આક્રામક લડાઈ શરૂ છે, જ્યાં રશિયા લગભગ દરરોજ કોઈના કોઈ ગામ પર કબ્જો કર્યા હોવાનો દાવો કરે છે. યુક્રેનના સૈન્ય પ્રમુખ ઓલેક્ઝેન્ડર સર્સ્કી અનુસાર, પોક્રોવ્સ્ક અને પાંચ અન્ય વિસ્તારોમાં સૌથી વધુ તણાવ છે.