વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા તૈયાર હતો પણ પછી...: ઈન્ડિયન ફૂટબોલ જગતમાં ખળભળાટ

July 26, 2025

નબળી ટીમો સામે સતત હાર બાદ ઈન્ડિયન ફૂટબોલ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ટીમ પાસે એક સારો કોચ પણ નથી. હવે શુક્રવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.  સ્પેનના મહાન ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા જાવી હર્નાન્ડેઝે ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે અરજી કરી હતી, પરંતુ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ તેની દાવેદારી રિજેક્ટ કરી દીધી. જાવીને લઈને સમાચાર આવતાની સાથે જ ભારતીય ફૂટબોલ અને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો. ચારેય બાજુ તેની ચર્ચા થવા લાગી. હેડ કોચ માટે જાવી દ્વારા અરજી કરવી એ કોઈ નાની વાત નથી. તે પોતાના સમયનો એક મહાન મિડફિલ્ડર રહ્યો છે અને તાજેતરમાં તેણે સ્પેનના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ બાર્સિલોનાને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યો છે. મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી ટીમ છોડી ગયા પછી, જાવીને કોચ તરીકે બાર્સિલોના સાથે જોડવામાં આવ્યો હતો અને તેણે એક યુવા ટીમ ઊભી કરી. હવે તે કોચ પદ પરથી હટ્યા બાદ આ ટીમ સતત જીતી રહી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને તે સમયે હેરાની થઈ જ્યારે રસ ધરાવતા ઉમેદવારોની લાંબી યાદીમાં જાવી હર્નાન્ડેઝનું નામ જોયું. એક અહેવાલ પ્રમાણે જાવીનું નામ પૂર્વ ભારતીય હેડ કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઈન, પૂર્વ લિવરપૂલ ખેલાડી હેરી કેવેલ અને ભારતના ખાલિદ જમીલ જેવા નામો સાથે હતું. જાવીએ પોતાના ઈમેલ આઈડી પરથી અરજી મોકલી હતી, પરંતુ તેને શોર્ટલિસ્ટ કરવામાં ન આવ્યો. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના રાષ્ટ્રીય ટીમના ડિરેક્ટર સુબ્રત પોલે જણાવ્યું કે, એ સાચું છે કે જાવીનું નામ આ લિસ્ટમાં હતું. અરજી AIFFને ઈમેઇલકરવામાં આવી હતી. જોકે, ઊંચા નાણાકીય ખર્ચના કારણે જાવીની અરજી પહેલાથી જ રિજેક્ટ કરી દેવામાં આવી છે. ટેકનિકલ સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, જો જાવી ખરેખર ભારતીય ફૂટબોલમાં રસ ધરાવતો હોય અને તેને કામ સંભાળવા માટે મનાવવામાં આવી શક્યો હોત, તો પણ અમને ઘણા પૈસાની જરૂર પડી હોત.