જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ

July 26, 2025

હવે જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં પણ ચાલશે. દેશમાં હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રાયલ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF) ખાતે કરવામાં આવ્યું હતું. આ કોચનો ઉપયોગ પહેલા ડીઝલ સંચાલિત ટ્રેનોમાં થતો હતો. તેને DEMU કોચ કહેવામાં આવે છે. જયારે હવે આ કોચ ડીઝલ કે વીજળીથી નહીં પરંતુ હાઈડ્રોજન ગેસથી ચાલશે.  હાઈડ્રોજન ટ્રેન એ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલૉજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનને બદલે હાઈડ્રોજન ગેસથી ચાલશે. આ ટ્રેનમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઈડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે.
હાઈડ્રોજન ટ્રેનથી ભારતને કેટલો ફાયદો થશે?
- પ્રદૂષણમાં ઘટાડો: ભારતમાં ખાસ કરીને શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. હાઈડ્રોજન ટ્રેનનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે, કારણ કે તેમાંથી માત્ર પાણીની વરાળ નીકળે છે. આ ટ્રેન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી.
- ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો: હાઈડ્રોજન ટ્રેન ભારતમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને પણ ઘટાડી શકે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરશે. ભારતના 'નેટ ઝીરો' તરફના પગલાં તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.
- હાઈડ્રોજન ઉત્પાદન માટેની તક: ભારતમાં હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે સૌર, પવન અને હાઇડ્રોઇલેક્ટ્રિક ઊર્જા જેવા રિન્યુએબલ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે. આનાથી ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે.
- મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો: હાઈડ્રોજન ટ્રેનનો મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો છે કારણ કે તેમાં આંતરિક દહન એન્જિન નથી. તેનાથી રેલ્વેના સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
- નવા ઉદ્યોગો અને રોજગાર સર્જન: હાઈડ્રોજન ટ્રેન ટૅક્નોલૉજીનો વિકાસ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેમ કે હાઈડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ.
- નવીનીકરણીય ઉર્જા દ્વારા અર્થતંત્રમાં વૃદ્ધિ: ભારતમાં હાઈડ્રોજન ઉત્પાદન માટે સૌર અને પવન ઉર્જાને સંયોજિત કરવાથી નવા પુનઃપ્રાપ્ય ઉર્જા એકમોની સ્થાપના થઈ શકે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે.
- રેલવે નેટવર્કનું આધુનિકીકરણ- હાઈડ્રોજન ટ્રેનનો ઉપયોગ રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકે છે. ખાસ કરીને, એવા વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ થઈ શકતું નથી, ત્યાં હાઈડ્રોજન ટ્રેન ઉત્તમ વિકલ્પ બની શકે છે.
ભારત હવે એવા મુઠ્ઠીભર દેશોમાં જોડાઈ ગયું છે જેમની પાસે હાઈડ્રોજન ટ્રેન છે. અગાઉ, જર્મની અને ફ્રાંસ જેવા દેશો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂક્યા છે. હવે ભારત પણ આ દોડમાં જોડાઈ ગયું છે અને આવનારા સમયમાં તેને વધુ સ્થળોએ ચલાવવાની યોજના છે. ભારતનું લક્ષ્ય છે કે વર્ષ 2070 સુધીમાં 'નેટ-ઝીરો' કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરે. 'નેટ-ઝીરો' કાર્બન ઉત્સર્જન એટલે જેટલું પ્રદુષણ ફેલાવે છે, પ્રદુષણમાં તેટલો જ ઘટાડો પણ કરે. હાઈડ્રોજન ટ્રેન આ દિશામાં એક મોટું પગલું છે. આ ફક્ત પર્યાવરણનું રક્ષણ કરશે નહીં, પરંતુ ભવિષ્યની ટ્રેનો ચલાવવાની રીત પણ બદલશે.