'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો

July 26, 2025

મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે સામન્ય લોકો વચ્ચે પણ આ ભાષા વિવાદને લઈને તણાવ અને ઝગડાનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં, ટ્રેનમાં મહિલાઓ વચ્ચે મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાને લઈને થયેલી દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એવામાં હવે મુંબઈની એક કોલેજની બહાર એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. આ ઘટના એટલા માટે બની કારણ કે તેણે વોટ્સએપ ગ્રુપમાં અન્ય વિદ્યાર્થીઓને મરાઠીમાં વાત કરવાનું કહ્યું હતું. પરંતુ આ વાત બીજા વિદ્યાર્થીઓને પસંદ ન આવતા તેઓ હોકી અને લાકડીઓ લઈને તેને મારવા પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બધા જ વિધાર્થીઓ એક જ કોલેજના વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા. જેમાંથી કેટલાક વિધાર્થીઓ હિન્દીમાં મેસેજ કરી રહ્યા હતા, ત્યારે અન્ય એક વિધાર્થીએ મરાઠીમાં જવાબ આપ્યો કે, 'મરાઠીમાં બોલો નહીતર રાજ ઠાકરે આવી જશે.'  તાજેતરની ઘટનામાં વોટ્સએપ ગ્રુપ પર શરૂ થયેલી દલીલ બીજા દિવસે વધુ વકરી હતી. મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે, વાશીની એક કોલેજની બહાર ચાર વિદ્યાર્થીઓએ મરાઠીમાં બોલવાની વાત કરનાર વિધાર્થીના માથા પર હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા આ ભાષા વિવાદ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મરાઠી ભાષાનું અપમાન કરવાના આરોપમાં ઘણા લોકો પર હુમલા કર્યા છે. જેના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં થાણેમાં એક દુકાનદાર અને નાંદેડમાં જાહેર શૌચાલયના કર્મચારી પરના હુમલાનો મામલો સામે આવ્યો હતો. એવામાં હવે વિધાર્થી પર હુમલાની ઘટનાએ રાજ્યમાં ભાષા અને ઓળખ સંબંધિત ચર્ચાને ફરી વેગ આપ્યો છે.