અમરેલીને આપેલા વચનો યાદ અપાવવા પડશે', વડાપ્રધાનની મુલાકાત પહેલા કોંગ્રેસની લોકોને અપીલ

October 20, 2024

અમરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુજલામ સુફલામ યોજના હેઠળ ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવા માટે અમરેલી પહોંચવાના છે. આવતી 28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમરેલી આવી જળસંચય કાર્યને વધારવા માટે આવવાના છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી પહોંચે તે પહેલાં જ અમરેલીનું રાજકારણ ગરમાઇ ગયું છે. ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અમરેલી પ્રજાને અપીલ કરવામાં આવી છે. ઠુમ્મરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, વડાપ્રધાન અમરેલીની ધરતી, લાઠી પર તારીખ 28 ઓક્ટોબરે પધારી રહ્યા છે, ત્યારે બધાં જ જાગૃત સજ્જનો દ્વારા અમરેલીની સમસ્યાઓથી અવગત કરાવવા તેમજ વડાપ્રધાને અમરેલીને આપેલા વચનો યાદ કરાવવા આપણી ફરજ છે. ઠુમ્મરે વધુમાં કહ્યું કે, અહીં બધાં જ પક્ષથી પરે રહીને આપણાં અભિપ્રાય અને સમસ્યાઓને કોમેન્ટ કરીને જણાવો, જેથી બધાં જ મુદ્દા આવરી જિલ્લા તંત્રને પત્ર લખી વડાપ્રધાન સુધી પહોંચાડી શખાય. ભાજપ-કોંગ્રેસથી પરે રહી ફક્ત સમસ્યાઓ પર ચર્ચા થાય. જેથી અમરેલી જિલ્લાના વિકાસની સાચી માગણી સાથે રહી શકાય.