પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે પણ બનાવ્યો શરમજનક રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામે થયો કારમો પરાજય

October 12, 2024

11 ઓક્ટોબર પાકિસ્તાન મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી શરમજનક દિવસ રહ્યો હતો. કારણ કે પહેલા ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં પુરૂષ ટીમને એક ઇનિંગ અને 47 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હવે પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ 9 વિકેટે હારી ગઈ હતી. આ મેચમાં મળેલી હાર સાથે પાકિસ્તાની મહિલા ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો હતો. T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ સારી હતી. જેમાં તેણે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, પરંતુ ત્યાર બાદ છેલ્લી સતત 2 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પાકિસ્તાની મહિલા ટીમે એવો રેકોર્ડ બનાવ્યો જે આ પહેલા કોઈ ટીમના નામે નથી.T20 વર્લ્ડકપ 2024ના ગ્રૂપપ Aની મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાકિસ્તાની મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા 82 રનના સ્કોર પર પૂરી સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમે પહેલી 6 ઓવરમાં માત્ર 23 રન બનાવી 2 વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પાકિસ્તાની મહિલા ટીમે એક પણ ચોગ્ગો ફટકાર્યો ન હતો.  T20Iમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોઈ ટીમ પહેલી 6 ઓવરમાં કોઈપણ ચોગ્ગો ફટકારવામાં સફળ રહી ન હતી. આ સાથે જ પાકિસ્તાની મહિલા ટીમે એક શરમજનક રેકોર્ડ બનાવી દીધો હતો. આ મેચમાં પાકિસ્તાની મહિલા ટીમ તેની કેપ્ટન ફાતિમા સના વિના મેદાનમાં રમવા ઉતરી હતી. મુનીબા અલીએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. આ મેચમાં પાકિસ્તાન તેનો પહેલો ચોગ્ગો 9મી ઓવરમાં ફટકારવામાં સફળ રહ્યું હતું. આ સિવાય પાકિસ્તાની ટીમે આખી ઇનિંગ દરમિયાન માત્ર 4 ચોગ્ગા ફટકાર્યા હતા.