3 વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLમાં એન્ટ્રી, પૃથ્વી શૉને પણ 75 લાખમાં ખરીદી લેવાયો

December 17, 2025

IPL 2026ની હરાજીમાં કરોડો રૂપિયા નો વરસાદ, રેકોર્ડ તૂટવા અને મોટા નામોની ચર્ચા વચ્ચે બે સ્ટોરી એવી રહી જેણે ભાવનાઓને સ્પર્શી લીધી. આ સ્ટોરી છે, સરફરાઝ ખાન અને પૃથ્વી શૉની છે. એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા આ બેટ્સમેન આ વખતે ઓક્શનની શરૂઆતમાં અનસોલ્ડ રહ્યા હતા. પરંતુ કિસ્મતને IPLની મેજ પર છેલ્લો શબ્દ કહેવાથી કોણ રોકી શક્યું છે? IPL 2026 પહેલા મંગળવારે અબુ ધાબીના એતિહાદ સ્ટેડિયમમાં યોજાયેલા મીની-ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ખૂબ જ સમજી-વિચારીને ખરીદી કરી રહી છે. માતબર રકમ સાથે હરાજી ઉતરેલી ટીમે યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. હરાજીના અંતે ફ્રેન્ચાઈઝીએ ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનને 75 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.  હરાજીના પ્રથમ રાઉન્ડમાં સરફરાઝ ખાન અનસોલ્ડ રહ્યો હતો. ત્યારબાદ જ્યારે એક્સિલરેટર રાઉન્ડમાં તેનું નામ આવ્યું ત્યારે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન 3 વર્ષ પછી IPLમાં વાપસી કરી રહ્યો છે. તે છેલ્લે 2023માં લીગમાં રમ્યો હતો. ત્યારે તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.  સરફરાઝને ઘરેલું ક્રિકેટમાં તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી સાત મેચમાં 329 રન બનાવ્યા છે. આજે જ સરફરાઝે તેની વિસ્ફોટક બેટિંગથી રાજસ્થાન સામે તેની ટીમને વિજય અપાવ્યો. સરફરાઝે 331.82ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 22 બોલમાં 73 રન બનાવ્યા. તેણે મેચમાં છ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા છે.
પૃથ્વી શૉ : પૃથ્વી શોની સફર સૌથી નાટકીય રહી. 75 લાખની બેઝ પ્રાઈસ પર બે વાર નામ આવ્યા બાદ જ્યારે કોઈ ખરીદનાર ન મળ્યું ત્યારે નિરાશા સ્પષ્ટ દેખાઈ આવી. હરાજી વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર તૂટેલા દિલનું ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે,  'It’s OK.' જાણે તેણે સ્વીકારી લીધું કે આ વખતે દરવાજો બંધ થઈ ગયો.