ગૌતમ ગંભીરનો વાળ પણ વાંકો નહીં થાય! કોચ બદલવાની અટકળો બાદ બચાવમાં ઉતર્યા મોટા અધિકારી

December 30, 2025

ટેસ્ટ સીરિઝમાં ઘર આંગણે મળેલી કારમી હાર બાદથી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ટીકાકારોના નિશાને આવી ગયો છે. આ વચ્ચે એવી અટકળોએ જોર પકડ્યું છે કે, BCCI તેના સ્થાને પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ કોચ બનાવવા અંગે વિચાર કરી રહ્યું છે. હવે આ વધતી જતી અટકળો બાદ BCCIનું નિવેદન સામે આવ્યું છે. બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ ખબરોનું ખંડન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગંભીરના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો ભારતના આગામી ટેસ્ટ કોચ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ અહેવાલો ત્યારે આવ્યા જ્યારે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 0-2થી ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, જે સતત બીજા વર્ષે ભારતે ક્લીન સ્વીપનો સામનો કર્યો છે. ગત વર્ષે પણ તેના જ કોચિંગ હેઠળ ભારતને ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પર પ્રતિક્રિયા આપતા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'હું મીડિયામાં ચાલી રહેલી અટકળો અંગે સ્પષ્ટતા કરવા માંગુ છું કે, હેડ કોચ ગૌતમ ગંભીરને બદલવાની કોઈ યોજના નથી. BCCI સચિવ (દેવજીત સૈકિયા)એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગંભીરને હટાવવાની અથવા ભારત માટે નવા હેડ કોચ બનાવવાની કોઈ યોજના નથી.' આ અગાઉ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, 'બોર્ડે ટેસ્ટ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં નેતૃત્વ બદલવા માટે કોઈ પગલાં નથી લીધા. આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. તે માત્ર અટકળો પર આધારિત છે. કેટલીક પ્રતિષ્ઠિત સમાચાર એજન્સીઓ પણ આ સમાચાર ચલાવી રહી છે. તેમાં કોઈ સત્ય નથી. BCCI સ્પષ્ટપણે તેનું ખંડન કરે છે. લોકો જે ઈચ્છે તે વિચારી શકે છે, પરંતુ BCCI એ કોઈ પગલાં નથી લીધા. આ કોઈની કલ્પના છે, તેમાં કોઈ સત્ય નથી અને હું એ સિવાય બીજું કંઈ કહી શકતો નથી કે તે ખરેખર ખોટા અને પાયાવિહોણા સમાચાર છે.'