સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી

January 10, 2026

હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી. સામાન્ય રીતે જૂનાગઢ ભવનાથના મેળામાં જ જોવા મળતી નાગા સાધુઓની રવાડી પ્રથમવાર સોમનાથમાં યોજાઈ હતી. દિગમ્બર સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન અને અંગકસરતના દાવ રજૂ કરી લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંદાજે 50 વધુ કુશળ કલાકારોએ ઢોલ અને તાશાના તાલ સાથે એવું જોરદાર વાદન કર્યું હતું કે કલાકારોના જોશમાં ઢોલ પણ તૂટી ગયા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર માર્ગ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (10મી જાન્યુઆરી) સાંજે 5:25 વાગ્યે સોમનાથ પધારશે. સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. રવિવારે (11 જાન્યુઆરી) સવારે 6:45 વાગ્યે શંખ સર્કલથી ભવ્ય શૌર્યયાત્રા પ્રસ્થાન થશે, જેમાં વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેશે. આ યાત્રા બાદ સદ્‌ભાવના ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.