'ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 217 દેખાવકારોના મોત

January 10, 2026

ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ઈરાની સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા ઘણી જગ્યાએ ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે. ટાઈમ મેગેઝિન સાથેની વાતચીતમાં, એક ઈરાની ડોક્ટરે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે દાવો કર્યો છે કે માત્ર રાજધાની તેહરાનની છ હોસ્પિટલોમાં જ ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાંથી મોટાભાગના ગોળીબારમાં માર્યા ગયા છે. જોકે, ટાઈમ મેગેઝિને આ આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.

જો આ મૃત્યુઆંક સાચો હોય તો, તે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોના ભયાનક દમન તરફ ઈશારો કરે છે. આ વિરોધ પ્રદર્શનો 28 ડિસેમ્બરથી આર્થિક સંકટ સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે ઈરાનના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યા છે અને ઈસ્લામિક શાસનને ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ 'આઝાદી' અને 'તાનાશાહ મુર્દાબાદ' જેવા નારા લગાવી રહ્યા છે.