કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

January 08, 2026

કેનેડાના વિઝા અને PR અપાવવાની લાલચ આપી 60 લોકો સાથે 7.48 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી વિજય હરસિંધિયા અને કૃતિકા સોનવણેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ પ્રકારના આર્થિક ગુનાઓ સમાજ માટે ગંભીર છે અને તેની અસર સામાન્ય લોકોના ભવિષ્ય પર પડે છે.

આરોપીઓએ 'ઓવરસીસ ગેટવે' નામની કંપનીના ઓઠા હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, કેનેડાની પ્રતિષ્ઠિત કંપનીઓના નામે ખોટા LMIA અને એન્ડોર્સમેન્ટ લેટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ખોટા દસ્તાવેજો કેનેડા એમ્બેસીમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે છેતરાયેલા 60 લોકો પર કેનેડા જવા માટે 05 વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી ગયો છે. ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો પાસેથી કુલ 7.48 કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.

બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે આરોપીઓ માત્ર સામાન્ય કર્મચારી હતા અને તેમની કોઈ મુખ્ય ભૂમિકા નથી. જો કે, સરકારી વકીલ જગત વી. પટેલે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ કંપનીના ડાયરેક્ટર તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી અને ગુનાહિત કાવતરામાં સામેલ હતા. તપાસ હજુ નાજુક તબક્કામાં છે અને અન્ય સહ-આરોપીઓ હજુ ફરાર છે. જો જામીન આપવામાં આવે તો આરોપીઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા સાક્ષીઓને ડરાવી શકે છે.

કોર્ટે નોંધ્યું હતું કે, વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવી સામાન્ય જનતાને છેતરવાના બનાવો વધી રહ્યા છે. આરોપીઓની સંડોવણી અને ગુનાની ગંભીરતા જોતા તેમને જામીન આપવા ન્યાયોચિત નથી. આ સાથે જ કોર્ટે બંને આરોપીઓને જેલહવાલે રાખવાનો આદેશ આપ્યો છે.