હજુ પણ જેલમાં જ રહેશે અરવિંદ કેજરીવાલ, હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી ટળી

July 15, 2024

દિલ્હી : કથિત દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગના કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં આજે દિલ્હીની હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, જોકે કોર્ટે સુનાવણી ટાળી દીધી છે. રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરાઈ હતી. કોર્ટે આગામી સુનાવણી સાતમી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 

આ પહેલા હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે EDના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા, જોકે તેઓ હજુ પણ જેલમાં બંધ છે, કારણ કે તેમના વિરુદ્ધ CBI દ્વારા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

કેજરીવાલના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી છે કે, સુપ્રીમ કોર્ટને આદેશ છે, તેથી તેમને વચગાળાના જામીન અપાયા છે. તેમણે કોર્ટમાં એવું પણ કહ્યું કે, ઈડીએ ગઈકાલે રાત્રે 11.00 કલાકે નવો જવાબ દાખલ કર્યો છે, તેથી અમારે વધુ સમય જોઈએ. કેજરીવાલના વકીલે સમય માંગ્યો છે. આ જ કારણે કોર્ટે આગામી સુનાવણી છ ઓગસ્ટ સુધી સ્થગિત કરી છે અને હવે સાતમી ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેજરીવાલે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી ઈડીની અરજી મુદ્દે જવાબ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ ઈડી દ્વારા જાસૂસીનો શિકાર બન્યા છે. તેમણે તર્ક આપ્યો કે, મારી જામીન રદ કરવાની ઈડીની અરજી વિચારવાને લાયક નથી અને તેમની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા નિર્ણયથી તદ્દન અલગ છે.