પહલગામ હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ, PoKમાં ઈમરજન્સી

April 27, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. ભારતની કાર્યવાહીની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. જેના પગલે પાકિસ્તાને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
25 એપ્રિલના રોજ ઝેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં 'કટોકટી પરિસ્થિતિ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ડ્યુટી પોઈન્ટ પર તૈનાત રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારીને રજા કે ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ આદેશમાં લખવામાં વાયુ હતું કે, 'દેશમાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ આરોગ્ય કેન્દ્રોના ઇન્ચાર્જને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ તેમજ જિલ્લાના તમામ તબીબી કેન્દ્રોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને હંમેશા તૈયાર રાખવાનો નિર્દેશ આપવામાં આવે છે.'
આ ઉપરાંત, આરોગ્ય કેન્દ્રોના તમામ તબીબી અધિકારીઓ/પેરા મેડિકલ સ્ટાફ કે જેઓ પહેલેથી જ રજા પર છે, તેમને તેમની રજા રદ કરવા અને ફરજ પર જતા પહેલા ઓફિસની લેખિત પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. જો બેદરકારી જણાશે, તો સંબંધિત ડોકટરો/પેરામેડિકલ મેડિકલ સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.