અમદાવાદ પ્લેન ક્રેશ : પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન

June 12, 2025

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં  શોકનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. વિજય રૂપાણીના ઘરની બહાર ભારે ભીડ જામી છે. 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.