અમદાવાદ: માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

January 30, 2026

અમદાવાદ- સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે રીઢા તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.47 કરોડથી વધુની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા તસ્કરો પૈકી એક શખસ વિરુદ્ધ અગાઉ શહેરના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે.
ગત 11મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી વચ્ચે માણેકબાગ સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના સભ્યો બહાર ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરો તિજોરીમાંથી રોકડ, સોના-ચાંદી અને હીરાના કિંમતી ઘરેણાં ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેટેલાઈટ અને આસપાસના વિસ્તારના સેંકડો CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ હિલચાલ અને રીઢા ગુનેગારોની પ્રોફાઈલ મેચ થતા પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેના આધારે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી.

2 આરોપીની ધરપકડ
કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ અસુંદરા-પરમાર (ઉં.વ.29, રહે. અમદાવાદ, મૂળ પાલનપુર)
મેહુલ પરમાર (ઉં.વ.26, રહે. અમદાવાદ, મૂળ ડીસા)
1.47 કરોડનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રોકડ રકમ: રૂ. 45 લાખ.
સોનાના દાગીના: 2,278.99 ગ્રામ (આશરે 2.2 કિલો, કિંમત રૂ. 1.01 કરોડ).