વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર

April 26, 2025

નવી દિલ્હી : વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સુધારા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આંશિક રોક લગાવવામાં આવી છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ૧૩૩૨ પેજનું સોગંદનામુ દાખલ કરાયું છે, જેમાં કેન્દ્રએ એવી દલીલ કરી છે કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા પર કોર્ટ દ્વારા સંપૂર્ણ સ્ટે ના મુકી શકાય. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વક્ફ કાયદા સામે થયેલી તમામ અરજીઓને નકારી દેવામાં આવે તેવી અપીલ કરી છે.  સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં સુધારાનો બચાવ કરતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે છેલ્લા ૧૦૦ વર્ષથી વક્ફ બાય યૂઝરને માત્ર રજિસ્ટ્રેશનના આધારે જ મંજૂરી આપવામાં આવેલી છે માત્ર મૌખિક રુપે નહીં. વક્ફ મુસ્લિમોની કોઇ ધાર્મિક સંસ્થા નથી પરંતુ કાયદાકીય શાખા છે, વક્ફ કાયદામાં સુધારા મુજબ મુતવલ્લીનું કામ ધર્મનિરપેક્ષ હોય છે, ધાર્મિક નહીં. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને બંધારણીય રીતે પણ કાયદેસર માનવામાં આવે છે. ખાસ કરીને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની ભલામણો અને સંસદમાં વિસ્તૃત ચર્ચા બાદ ઘડાયેલા કાયદાને બંધારણીય રીતે કાયદેસર જ માનવામાં આવે છે.  કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે વક્ફ કાયદામાં કરાયેલા કોઇ પણ સુધારા પર વચગાળાનો પણ સ્ટે ના મુકવામાં આવે. આ કાયદામાં એવી કોઇ જ જોગવાઇ નથી કે જે કોઇ પણ વ્યક્તિના વક્ફ બનાવવાના ધાર્મિક અધિકારોમાં દખલ દેતી હોય. માત્ર પારદર્શિતા અને  મેનેજમેન્ટને સારુ બનાવવા માટે જ આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં વક્ફની સંપત્તિના કેટલાક આંકડા પણ રજુ કરાયા છે, જેમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધી વક્ફ સંપત્તિમાં આઘાતજનક રીતે ૧૧૬ ટકાનો વધારો થયો છે. હાલ વક્ફ સંપત્તિ વધીને ૨૦ લાખ એકર ઉમેરાઈને આશરે ૪૦ લાખ એકર થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે પોતાના બચાવમાં કહ્યું હતું કે કાયદામાં એવી કોઇ જ જોગવાઇ નથી કે જે મુસ્લિમોના ધાર્મિક અધિકારોને છીનવી લેતી હોય, સરકારે મુસ્લિમ સમાજના ધાર્મિક અધિકારોને સ્પર્શ જ નથી કર્યો. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં કેન્દ્ર સરકારના સુધારાઓ સામે અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાલ પુરતા કેટલીક જોગવાઇઓ પર વચગાળાનો આડકતરો સ્ટે મુક્યો છે. ૧૭મી એપ્રીલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે વક્ફ સંપત્તિને નોટિફાઇ નહીં કરે આ ઉપરાંત વક્ફ બાય યૂઝર કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ તેમજ બોર્ડમાં પણ પાંચ મે સુધી કોઇ જ ફેરફાર નહીં કરે. આ મામલે હવે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે.