ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, નવ શ્રમિકોના ચીથરાં ઊડી ગયા

April 26, 2025

સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના ચીથરાં ઉડી ગયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. 

નિહાલ ખેડી ગામમાં ફટકડાંની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.

પોલીસે જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરના ચીથરાં જોવા મળ્યા છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીની બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. દુર્ઘટના એટલી ભીષણ હતી કે, અમુક લોકોના શરીરના ટૂકડાં આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. 

ગેરકાયદે ધમધમી રહેલી ફટાકડાંની ફેક્ટરીમાં વિસ્ફોટના બનાવો છેલ્લા ઘણા સમયથી વધ્યા છે. અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ ગેરકાયદે ચાલી રહેલી ફટકાડાંની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં નિર્દોષ 29 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં 1 એપ્રિલના રોજ દીપક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકોના મોત થયા હતાં. તેની પહેલાં પશ્ચિમ બંગાળમાં પણ એક ગેરકાયદેસર ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતાં.