દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા

April 26, 2025

ગુરૂગ્રામ : ગુરૂગ્રામની પાસે આવેલા હરિયાણાના નૂંહ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ, મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નૂહ પોલીસ સ્ટેશનની ફિરોઝપુર ઝીરકા બોર્ડર પર ઇબ્રાહિમવાસ ગામ નજીક એક બેકાબૂ પીક-અપ વાહને 6 મહિલાઓ સહિત 11 સફાઈ કર્મચારીઓને કચડી નાખ્યા હતાં. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સિવાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ ગંભીર છે. જોકે, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.