ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદરૂપ

April 26, 2025

પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો થયા પછી ભારતમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ છે, પાકિસ્તાન પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આવા માહોલમાં ભારતની સૈન્ય શક્તિ અનેકગણી વધી જાય એવી સિદ્ધિ ‘સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન’ (DRDO - ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા મેળવવામાં આવી છે. અને આ સિદ્ધિ છે અત્યંત ઝડપી મિસાઈલો વિકસાવવામાં મદદરૂપ થાય એવા એન્જિનના પરીક્ષણમાં સફળતા મેળવવી! ભારતે 1,000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિન નામના ખાસ પ્રકારના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 

આ સફળતા આધુનિક શસ્ત્રો બનાવવાની ટેક્નોલોજીમાં ભારતની પ્રગતી દર્શાવે છે. 25 એપ્રિલના રોજ હાંસિલ કરાયેલી આ સિદ્ધિ DRDO ની હૈદરાબાદ સ્થિત પ્રયોગશાળા ‘સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા’ (DRDL - ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી), વિવિધ કંપનીઓ અને કોલેજો વચ્ચેના સહયોગનું પરિણામ છે. હૈદરાબાદમાં નવી બનેલી અત્યાધુનિક ‘સ્ક્રેમજેટ કનેક્ટ ટેસ્ટ ફેસિલિટી’ (SCPT) ખાતે 1000 સેકન્ડથી વધુ સમય સુધી સક્રિય રીતે ઠંડા કરાયેલા ‘સ્ક્રેમજેટ સબસ્કેલ કમ્બસ્ટર’નું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ સફળતાપૂર્વક કરાયું હતું.

‘હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલો’ (HCM) એવા શસ્ત્રો છે જે અવાજની ગતિ કરતા પાંચ ગણી (6,100 કિમી પ્રતિ કલાકથી વધુ) ઝડપે લાંબા અંતર સુધી ઉડી શકે છે. આ મિસાઈલો ખાસ એન્જિન દ્વારા સંચાલિત થતાં હોય છે, એવા એન્જિનો જે હવામાં હાજર ઓક્સિજનનો ઉપયોગ કરીને ચાલે છે. આ સફળતા મળતાં ભારતે ‘એક્ટિવ કૂલ્ડ સ્ક્રેમજેટ ટેક્નોલોજી’ સાથે હાઈપરસોનિક મિસાઈલોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ એક સ્વદેશી ઇંધણ સંચાલિત મિસાઈલ છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા વિશ્વના અમુક જ દેશો પાસે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી છે. આ દેશોના લિસ્ટમાં હવે ભારતનું નામ પણ સામેલ થયું છે, એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. 

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતે આ દિશામાં 120 સેકન્ડનું પરીક્ષણ કરવામાં સફળતા મેળવી હતી. હવે ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય માટે પરીક્ષણ કરી દેખાડ્યું છે. આ પરીક્ષણ દર્શાવે છે કે સ્ક્રેમજેટ એન્જિન ‘ડિઝાઈન’ અને ‘પરીક્ષણ’ બંનેમાં ભારત સફળ રહ્યું છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં પૂર્ણ-સ્તરીય ફ્લાઈટ લાયક કમ્બસ્ટર પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. આ ટેક્નોલોજીએ ભારત માટે હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલો વિકસાવવાનો માર્ગ મોકળો કરી દીધો છે.