ભારતને અમેરિકાએ આપ્યો ઝટકો, 21 મિલિયન ડૉલરનું ફન્ડિંગ બંધ

February 16, 2025

અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE  વિભાગે ભારતમાં વૉટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી 21 મિલિયન અમેરિકન ડૉલરની ફન્ડિંગને રદ કરવાની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. DOGE તરફથી એક્સ પર ટ્વિટ કરવામાં આવી હતી કે અમેરિકન ટેક્સપેયર્સના પૈસા અત્યાર સુધી આ મામલાઓ પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના DOGE વિભાગ દ્વારા રદ કરાયેલી અન્ય ફન્ડિંગમાં ઘણી બાબત સામેલ છે. આ મામલે ભારત તરફથી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડૉલરની ફન્ડિંગ શબ્દ પર વાંધો ઊઠાવતા સવાલ કર્યો અને કહ્યું કે આ નક્કી જ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ દર્શાવે છે. આનાથી કોને લાભ થતો હશે ? નક્કી જ સત્તાપક્ષને નહીં ! ભારત ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોના વોટર ટર્નઆઉટ ફન્ડિંગમાં પણ કાપ મૂક્યો હતો. આ સાથે બાંગ્લાદેશને અપાતી 29 મિલિયન ડૉલરની ગ્રાન્ટ પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈલોન મસ્કના DOGE ડિપાર્ટમેન્ટે વિદેશી સહાયતા હેઠળ અપાતી ફન્ડિંગમાં કુલ 723 મિલિયન ડૉલરનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેના બાદ અમેરિકાથી આ નિર્ણયની જાણકારી અપાઈ છે.