અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં બેફામ ગોળીબાર, એકનું મોત, 16 ઈજાગ્રસ્ત

November 11, 2024

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે. પરંતુ અમેરિકામાં હજી બંદૂક અને ગોળીબારનો સીલસીલો યથાવત્ રહ્યો છે. નવી સરકાર બની ગઈ છે છતાં પણ ગોળીબારની ઘટના રોકાવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકામાં આવેલી અલબામાંની ટસ્કેગી યુનિવર્સિટીમાં રવિવારે બેફામ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યકિત મોતને ભેટી જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, બેફામ ગોળીબારનો ભોગ બનનાર 18 વર્ષીય યુનિવર્સીટીનો વિદ્યાર્થી નહોતો, પરંતુ ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં કેટલાક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. પોલીસે હવે ગોળીબાર કરનાર આરોપીની ધરપકડ કરી છે. ગોળીબારમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. તસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.