જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ

February 03, 2026

બિહારમાં મોકામાથી ધારાસભ્ય અનંત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પગે લાગી રહ્યા છે. આ વીડિયોમાં નીતિશ કુમાર તેમને આશીર્વાદ પણ આપતા જોવા મળી રહ્યા છે. જે સમયે અનંત સિંહ મુખ્યમંત્રીને પગે લાગી રહ્યા હતા, ત્યારે બાજુમાં સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. વીડિયોમાં બંનેને વાતચીત કરતા પણ જોઈ શકાય છે. મંગળવારે અનંત સિંહ વિધાનસભાની સદસ્યતાના શપથ લેવા માટે જેલથી સીધા વિધાનસભા ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધારાસભ્ય પદના શપથ લીધા અને પછી તાત્કાલિક જેલ માટે રવાના થઈ ગયા. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારી પણ હાજર રહ્યા હતા. જે દરમિયાન અનંત સિંહ વિધાનસભામાં પહોંચ્યા હતા. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય મોટા નેતા પણ હાજર હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારને જોતા જ અનંત સિંહ અટકી ગયા અને તેમના પગે લાગ્યા. આ દરમિયાન નીતિશ કુમારે તેમના હાલ પૂછ્યા. જેના પર તેમણે કેટલાક જવાબ પણ આપ્યા. આ સમયે નીતિશ કુમારની સાથે સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. અનંત સિંહે તેમની સાથે પણ વાત કરી. વિધાનસભાની બાહર નીકળતા સમયે અનંત સિંહે પત્રકારો સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, મને ન્યાય મળશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષ શું બોલશે, તેમને બોલવા માટે કંઈ રહ્યું છે? તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનંત સિંહે મોકામા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. જેડીયૂ ધારાસભ્ય અનંતસિંહ પર ચૂંટણી પ્રચાર દરમિયાન દુલારચંદ યાદવની હત્યાનો આરોપ લાગ્યો હતો. જ્યારબાદ તેમની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારથી તેઓ જેલમાં છે અને મંગળવારે વિધાનસભામાં શપથ માટે પહોંચ્યા હતા.