બીગ બીની રાહ પર અનિલ કપૂર: દિલ્હી હાઈકોર્ટે એક્ટરના નામ, અવાજ અને તસવીરના ઉપયોગ પર લગાવી રોક

September 20, 2023

નવી દિલ્હી : બોલીવૂડ એક્ટર અનિલ કપૂરને પોતાની પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર મોટી રાહત મળી છે. જસ્ટિસ પ્રતિભા એમ સિંહની બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે અનિલ કપૂરની પરવાનગી વગર તેમના અવાજ, તેમના નામ, તસવીર અને તેમના ડાયલોગ વગેરેના વ્યાવસાયિક ઉપયોગ પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી છે. અનિલ કપૂરે આ અરજીમાં વિવિધ સંસ્થાઓને તેમની સંમતિ વિના તેમના નામ, અવાજ, તસવીર અને ઉપનામો સહિત વગેરેનો ઉપયોગ કરવાથી રોક લગાવવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નામથી ઉપયોગ કરવામાં આવી રહેલી વસ્તુઓ પર એક્ટરે નારાજગી વ્યક્ત કરી હતી. એક્ટરનું માનવું છે કે, તેનાથી તેની ઈમેજ ખરાબ થાય છે અને પર્સનાલિટી પર અસર પડે છે. 

આ ઉપરાંત અરજીમાં AI સહિત ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા તેનો દુરુપયોગ પણ સામેલ છે. દિલ્હી હાઈકોર્ટે Go Daddy LLC, Dynot LAC અને PDR લિમિટેડને અનિલ કપૂરના નામના ડોમેન્સ જેમ કે Anilkapoor.comને તાત્કાલિક બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રતિભા એમ સિંહે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના નામ, અવાજ કે તસવીનો ગેરકાયદેસર ઉપયોગ ન કરી શકાય.

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પોતાના પર્સનાલિટી રાઈટ્સને લઈને કોર્ટમાં અરજી કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેમણે તેમની તસવીર, નામ, અવાજ સહિત પર્સનાલિટીનો ઉપયોગ તેમની પરવાનગી વગર ન કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આદેશ જારી કરતા પર્સનાલિટી રાઈટ્સને સુરક્ષિત રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.